Daily Darshan 2
આ દેહમાં રહેનારો જે જીવ છે તે રૂપને જુએ છે ને કુરૂપને જુએ છે તથા બાળ, યૌવન ને વૃદ્ધપણાને જુએ છે, એવા અનંત પદાર્થને જુએ છે, પણ જોનારો પોતે પોતાને જોતો નથી, અને કેવળ બાહ્યદૃષ્ટિએ કરીને પદાર્થને જોયા કરે છે, પણ પોતે પોતાને નથી જોતો તે જ અજ્ઞાનીમાં અતિશે અજ્ઞાની છે. અને જેમ નેત્રે કરીને અનંત પ્રકારના રૂપના સ્વાદને લે છે તેમ જ શ્રોત્ર, ત્વક્, રસના, ઘ્રાણ, ઇત્યાદિક સર્વે ઇન્દ્રિયોને કરીને વિષય સુખને ભોગવે છે, ને જાણે પણ પોતે પોતાના સુખને ભોગવતો નથી ને પોતે પોતાના રૂપને જાણતો નથી, એ જ સર્વે અજ્ઞાનીમાં અતિશે અજ્ઞાની છે, ને એ જ ઘેલામાં અતિશે ઘેલો છે, ને એ જ મૂર્ખમાં અતિશે મૂર્ખ છે, ને એ જ સર્વે નીચમાં અતિશે નીચ છે. (પ્ર. ૨૦)